મગરનાં આંસુ…

વાહ! શ્રી ચંદ્રેશભાઈ (સાહિત્ય વર્તુળ) ઠાકોરે મોકલેલું ખુબ સરસ વાંચન…

સારી રીત નથી
એવુંય નથી કે વતન માટે મને પ્રીત નથી
હું એય જાણું છું કે અમેરીકા રહેવામાં મારું હીત નથી
ઇચ્છા થાય છે અમેરીકાના અનુભવો લખું તમને
શું લખું ? અહીંયાં સંસ્કાર કે સંસ્કૃતી સંકલિત નથી.
મને ઘણો થાય છે વતન છોડ્યાનો અફ્સોસ હવે,
હિમાલય છોડીને સ્નોના ઢગલા મેળવવામાં કાંઇ જીત નથી.
અમેરીકન રેપ–સોંગ સાંભળીને કાન ને એંઠા કરવાના
અહીંયાં નરસિંહ મીરાંનાં પ્રભાતિયાં કે ભજન સંગીત નથી.
સંતાનોના ઉછેરીકરણનોય અહીંયાં હોય છે હિસાબ–કિતાબ
અહીંયાં ભારતીય માબાપ જેવું ઉદારીકરણ ગણિત નથી
બદલાતી ફેશનના નખરા અહીંયાં હોય છે નિત્ય નવા
સ્ત્રીના બાહ્ય સૌદર્ય જેટલું આંતરીક સૌંદર્ય ચકચકીત નથી.
પ્રેમ , વિશ્વાસ અને અનુકુલન આઘરીત સંબંઘો નથી
ઇન્ડીયન કલ્ચર જેવું લગ્નજીવન અહીંયાં વ્યવસ્થિત નથી
દુઃખી થવાની ઘણી જ રીતો હશે દુનિયામાં, હે પ્રભુ
મનને મારીને જીવ્યા કરવું એ સારી રીત નથી
– જયકાંત જાની ( USA)

મગરનાં આંસુ
જે દેશનો રોટલો ખાવો છે-તેને ગાળો ભાંડવી ઠીક નથી.
વતનને તરછોડી આવ્યા છો જાતે, હવે રોદણાં રડવાં ઠીક નથી.
લો કટના બ્લાઉઝ અને ખુલ્લા પેટ ગુજરાતમાં જોયા પછી,
અમેરિકાની સંસ્કૃતિની વાતો કરવી ઠીક નથી.
સરસ્વતી મંદીરોમાં, જ્યાં વિદ્યાર્થીનીઓ  સેઇફ નથી,
ત્યાં રોજે સંસ્કૃતિના બણગાં ફૂંકવા ઠીક નથી.
બોલિવુડના બિભત્સ નૃત્યોને રોજ ટીવી પર જોયા પછી,
મનમાં ગમતી-અમેરિકાની ફેશન વખોડવી ઠીક  નથી.
જ્યાં ઘરડાંઘર નીત નવાં બંધાતાં હોય ત્યાં,
ભારતીય માબાપોની સેવા કરતાં શ્રવણોની વાતો ઠીક નથી.
મહારાજો, બાબાઓ, લાલુઓ, ઠાકરેઓ-અને “ભાઇ”ઓ નો.
દેશ છોડી આવ્યા પછી, હવે ઓબામાને ગાળો દેવી ઠીક નથી.
જે માને તમે તરછોડીને આવ્યા છો તે હજુ ત્યાં જ છે.
પાછા પહોંચી જાવ, કોઇ રોકે નહીં, મગરનાં આ આંસુ ઠીક નથી.
–હરનીશ જાની–યુએસએ

Similar Posts