Sahitya Vartul hosted a Gujarati Literature Interest meeting on 2/17/2013. Here is a wonderful article shared by Chandreshbhai Takore in the meeting. Enjoy !
મારે ફરી એક વાર શાળાએ જવું છે …
દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે. રોજ સવારે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નોટની સુગંધ લેતાં, પહેલા પાને સુંદર અક્ષરે મારું નામ લખવું છે. … મારે ફરી એક વાર શાળાએ જવું છે.
રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકીને નળ નીચે હાથ ધરી પાણી પીવું છે. જેમતેમ લંચબોક્સ પૂરું કરી , મરચું-મીઠું ભભરાવેલ આમલી-બોર-જમરૂખ-કાકડી બધું ખાવું છે. (ભીંત ઉપર કોલસાથી ચીતરીને) સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે. અને, કાલે વરસાદ પડે તો નિશાળે રજા પડી જાય એવા વિચારો કરતાં રાતે સુઈ જવું છે. … (એવી) અણધારી રજાના આનંદ માટે, મારે ફરી એક વાર શાળાએ જવું છે.
છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં, મિત્રો સાથે ગપ્પા મારતાં વર્ગમાં બેસવું છે. ઘંટ વાગતાં જ, મિત્રોનું કુંડાળું કરીને સાઈકલની રેસ લગાવતા ઘર જવું છે. રમત-ગમતના પીરીઅડમાં, તારની વાડમાંના બે તાર વચ્ચેથી સરકીને બહાર ભાગી જવું છે. … એમ ભાગી જવાની મોજ અનુભવવા, મારે ફરી એક વાર શાળાએ જવું છે …
દિવાળીની વેકેશનની રાહ જોતાં, છ-માસિક પરીક્ષાનો અભ્યાસ કરવો છે. દિવસભર કિલ્લો બાંધીને, પગથી તોડી, હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે. રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી, તેમાંથી નહિ ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે. … વેકેશન પત્યા પછી બધ્ધી વાતો દોસ્તોને કહેવા, મારે ફરી એક વાર શાળાએ જવું છે …
કેટલીયે વાર જવાબદારીના બોજ કરતાં, પીઠ પર દફતરના બોજનું વજન ઊંચકવું છે. ગમે તેવી ગરમીમાં, એર-કંડીશન્ડ ઓફીસ કરતાં, પંખા વિનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે. આરામખુરશી કરતાં, કેટલીયે તૂટફૂટ વચ્ચે, બેની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે. બચપણ એ પ્રભુની ભેટ છે એ (વાત)નો અર્થ સમજાવા માંડ્યો છે. … એ (સમજણ) બરોબર છે કે નહીં એ સાહેબને પૂછવા માટે, મારે ફરી એક વાર શાળાએ જવું છે …
નાનો હતો ત્યારે જલ્દી મોટા થવું હતું. આજે જ્યારે મોટો થયો છું ત્યારે “તૂટેલા સ્વપ્નો ” અને “અધુરી લાગણીઓ” કરતાં “તૂટેલાં રમકડાં” અને “અધૂરા હોમવર્ક” સારા હતા એ સમજાય છે. આજે સમજાય છે કે “બોસ” ખીજાય એના કરતાં શાળામાં શિક્ષક “અંગુઠા” પકડાવતા હતા એ સારું હતું. આજે ખબર પડી કે ૧૦-૧૦ પૈસા ભેગા કરીને કરેલા નાસ્તાનો આનંદ આજે “પાર્ટીઓ”માં નથી આવતો.
ફક્ત મારે જ નહીં, આપણે બધાને ફરી એક વાર શાળાઅે જવું છે …
*** author unknown