યશ-યાત્રા ગુજરાતની: પ્રાચીન પાટનગરો (ભાગ – ૧)

આવતા થોડા અઠવાડિયાઓ નાં અંતરે miGujarat.com ઉપર રજુ કરીશું નવા articles ની એક mini-series, જેનો વિષય છે “યશ-યાત્રા ગુજરાતની – પ્રાચીન પાટનગરો” – ગુજરાત ની પ્રગતિ નો આધાર-સ્થંભ બનેલા શહેરો ઉપર ની historic insights અને milestones ની સંક્ષિપ્ત રજૂઆત. પ્રસ્તુત છે આ આર્ટીકલ્સ શ્રેણી નો ભાગ – ૧.  (લેખક – વૈશાલી અને કુલદીપ ભટ્ટ)

યશ-યાત્રા ગુજરાતની: પ્રાચીન પાટનગરો (ભાગ – ૧)

એક સહજ પ્રશ્ન થાય, ગુજરાત ની આ સાંસ્કૃતિક યાત્રા ક્યાં થી આરંભ થઇ? ગુજરાતની પ્રાચિનતમ રાજકીય રાજધાની કઈ હશે ?

Ancient Capitals of Gujarat - TIME LINE (Click to ENLARGE)
Ancient Capitals of Gujarat - TIME LINE (Click to ENLARGE)

આર્ટીકલ શરૂ કરીએ એક કવિતા થી, જે ગુજરાત ના પાટનગરો નાં નામ સૂચવે છે:

કૃષ્ણ એ શોધ્યો આ ધરતી નો છેડો,
જ્યાં સમયે વસાવ્યો આ ગુર્જરો નો નેસડો
આ ગિરનારી શિખરો, આ અફાટ રણ પ્રદેશો
જલધિ ના ઘૂઘવતા પાણી, આ નરસિંહ ની અભિનવ વાણી
ગાંધી ની લાકડીએ આંકી, આ ભૂમિ ની શેરીઓ સાંકડી
અનેક જોયા પ્રલયો, અનેક ધરતી કંપો
ન તુટ્યો આત્મવિશ્વાસ, ન ખૂટી ગુર્જર શક્તિ
જીર્ણગઢ થી શરુ થઇ આ યાત્રા, વલયી માં વિહારી
પટ્ટન માં થઇ અલંકૃત, અમદાવાદ માં પ્રતિષ્ઠિત થઇ

ગુજરાત નાં ૫૦ વર્ષ પુરા થયા. આ ૫૦ વર્ષ ની ઉજવણી અનેક સ્વરૂપે થઇ. આ સાથે જ અમદાવાદને ૬૦૦ વર્ષ પૂરા થયા. અમદાવાદીઓ હરખાયા અને હર્ષોલ્લાસ થી ગુજરાત ની સાંસ્કૃતિક રાજધાની ને નવાજી લીધી. આપણે આપણાં સ્વભાવ મુજબ પ્રસંગ ને નામે મજા કરી લીધી. પણ આ સમયે એક સહજ પ્રશ્ન થાય, ગુજરાત ની આ સાંસ્કૃતિક યાત્રા ક્યાં થી આરંભ થઇ? ગુજરાતની પ્રાચિનતમ રાજકીય રાજધાની કઈ હશે ? સૌથી પહેલો વિચાર આવે પાટણ? જરા આગળ વિચારીએ ? દ્વારિકા હશે કે ગિરિનગર (જુનાગઢ), કદાચ એ હકીકત ઇતિહાસમાં સ્પષ્ટ નથી. પરંતુ જુનાગઢ એ ગુજરાત ની પ્રાચિનતમ મહાનગરી માં નું એક રહ્યું છે, એ નિર્વિવાદ છે.

ભારત નાં અતિ પ્રાચીન ગ્રંથો, પુરાણો, જૈન સાહિત્ય (વિવિધતીર્થકલ્પ) માં રૈવતક પર્વત પાસે ની દ્વારવતિ નગરી અને રૈવતક (ઉર્જયત) ની તળેટી માં વસેલું ગિરિનગર, એનું વર્ણન વારંવાર જોવા મળે છે. આ જ રૈવતક (આજનો ગીરનાર) ની પાસે ચંદ્રગુપ્ત મૌર્ય એ (ઈ.સ. પૂર્વ ૩૨૨ માં) ગિરિનગર ની સ્થાપના અને વિકાસ માટે કાર્ય કર્યું હોય તેવા પુરાવા મળે છે. ચંદ્રગુપ્ત નું સૌરાષ્ટ્ર – આનર્ત (Gujarat) નું અધિષ્ઠાન એવું ગિરિનગર સમ્રાટ અશોક (ઈ. પુ. ૩૨૨-૨૩૭), ક્ષત્રપો (ઈ. સ. ૧૦૦ – ૪૦૦), કુષાણો અને ગુપ્ત વંશ નાં  શાસન કાળ દરમ્યાન પણ રાજધાની નું સ્થાન જાળવી શક્યું હતું.  ગિરિનગર નાં વિકાસ અને મહત્તા નો પરિચય આપે તેવા અતિ વિશાળ સુદર્શન તળાવ, અશોક નાં શીલા લેખ અને ગીરીદુર્ગ બંધાયો હોવાના અનેક પુરાવા મળી આવે છે. સમય નાં ચક્ર દરમ્યાન, આજ ગીરીનગર સૌરાષ્ટ્ર માં યવનો ની રાજધાની બન્યું હતું. આ સમયે ગિરિનગર નું બીજું નામ “યવનગઢ” (યવન = Greek) પડ્યું હોવાની સંભાવના german scholar Prof. Lassen (જર્મન વિદ્વાન પ્રો. લાસેન) આપે છે. તેમના મતાનુસાર “યવનગઢ” સમય જતા “જૂનાગઢ” તરીકે પ્રસિદ્ધ થયું. આ ઉપરાંત જૂનાગઢ નો ઉલ્લેખ જૈન (જીનભદ્રસુરી) સાહિત્ય અને અન્ય ઈતિહાસ ગ્રંથો માં “જીર્ણદુર્ગ”, “જીર્ણગઢ”, “ઉગ્રસેનગઢ”, “ખેંગારગઢ” જેવા નામો થી પણ થયો છે.

ચંદ્રગુપ્ત મૌર્ય પછી લગભગ ૭૫૦ વર્ષ સુધી જૂનાગઢ સૌરાષ્ટ્રમાં સત્તા નું કેન્દ્ર બની રહ્યું હતું. આ વર્ષો દરમ્યાન જૂનાગઢ ઘણી કુદરતી આપત્તિઓનો ભોગ બન્યું હશે તેવા સ્પષ્ટ પુરાવા છે. સુદર્શન તળાવ નો બંધ તૂટવા નાં અને તળાવ ફરી બન્યા નાં કિસ્સાઓ શીલા લેખો માં વિસ્તાર થી રજુ થયા છે. ચંદ્રગુપ્ત ના સમય માં પુષ્યમિત્ર ના બંધાવેલા સુદર્શન તળાવ ને મહાક્ષત્રપ રુદ્રદામાં (ઈ.સ. ૧૫૦) એ ફરી બંધાવ્યું.  (Pushyamitra was a rich trader, who got Sudarshan project approved from Chandragupta and built Lake Sudarshan. In today’s world we may call – Sudarshan Lake construction project sponsored by a corporate house.)

જૂનાગઢ મૈત્રક કાળ માં (ઈ.સ. ૪૦૦ પછી) રાજધાની નું પદ ગુમાવે છે. પરંતુ ચીની પ્રવાસી યુ એન ચાંગ (ઈ.સ.૬૫૦) ની નોંધ મુજબ “સોરઠ”નું આ નગર એનું સાંસ્કૃતિક અને વ્યાપારી મથક હોવાનું મહત્વ જાળવી શક્યું હતું.

ગુજરાતનાં સોલંકી યુગ (ઈ.સ. ૯૦૦ પછી) નાં ઈતિહાસ માં જૂનાગઢ નાં અનેક ઉલ્લેખો મળે છે. ચંદ્રગુપ્ત નાં સમય માં બંધાએલો દુર્ગ સોલંકી કાળ સુધી માં ઘણી વાર જીર્ણોદ્ધાર (ફરી બંધાયો) પામ્યો હતો. જૂનાગઢ નો આ ગીરીદુર્ગ અથવા આજ ની પ્રચલિત ભાષા માં ઉપરકોટ આજે પણ એના ભવ્ય ભૂતકાળ ની સાક્ષી પૂરે છે. રા. ખેંગાર નો આ ગઢ ૧૨ વર્ષ સુધી સોલંકીઓ નાં હુમલાને રોકી શક્યો હોવાની વાત પ્રચલિત છે. સોલંકી કાળ થી લગભગ સલ્તનત યુગ સુધી જૂનાગઢ એ “ખેંગાર ગઢ” તરીકે પ્રચલિત રહ્યું હોય તેવી શક્યતા છે.

સોલંકી શાસન પછીના સમય માં જૂનાગઢ (ઈ.સ. ૧3૦૦ પછી) ગુજરાતી ભાષા, કૃષ્ણ ભક્તિ, ભક્તિ આંદોલન નું કેન્દ્ર સ્થાન બની રહ્યું હશે. નરસિંહ મહેતા ની કર્મ ભૂમિ બનેલા જૂનાગઢ ગુજરાતી ભાષા ની અપ્રતિમ સેવા બજાવી છે. શ્રી નરસિંહ મહેતા ઉપરાંત ગુજરાતી ભાષા નાં ઘણા આખ્યાનો અને પ્રબંધગ્રંથો નો વિકાસ જૂનાગઢ માં થયો હોવાની સંભાવના છે. ગુજરાત માં સલ્નત યુગ અને દિલ્હી માં મુઘલ શાસન ની સાથે જૂનાગઢ નું રાજકીય મહત્વ વિસરતું ચાલ્યું.

અંગ્રેજો નાં આગમન અને ભારત ની સ્વતંત્રતા નાં ઇતિહાસમાં જૂનાગઢ માટે એક નોંધ પાત્ર બનાવ બને છે. આ બનાવ તે જૂનાગઢ નું પાકિસ્તાન માં વિલિનીકરણ કરવાનો પ્રયત્ન. આ પ્રસંગ લગભગ સર્વ વિદિત છે. જુનાગઢ નો નવાબ સ્વતંત્ર ભારત માં થી પલાયન કરી ગયા પછી, જૂનાગઢ નાં દીવાને તત્કાલીન ભારત સરકાર નો સંપર્ક કરી જૂનાગઢને સ્વતંત્ર ભારત નો હિસ્સો બનાવ્યું હતું. જૂનાગઢ નાં આ દીવાન નો દીકરો સમય જતા પાકિસ્તાન નાં પ્રધાનમંત્રી ઝુલ્ફીકારઅલી ભુટ્ટો નાં નામે પ્રખ્યાત હતા. આજનું જૂનાગઢ એના ૨૩૦૦ વર્ષ નાં ઈતિહાસ ની સાક્ષી પુરાવે છે. જૂનાગઢ ની રોનક અને એની સોરઠી હાક ની શક્તિ હજારો વર્ષોથી કાયમ રહી છે. આધુનિક ગુજરાત માટે જૂનાગઢ એ સાસણ ગીર, ગીરનાર અને શહેરના પ્રાચીન ઈતિહાસ ને કારણે પર્યટન નું એક મહત્વ નું કેન્દ્ર છે. આ ઉપરાંત આધુનિક જૂનાગઢ માં Agriculture University, આધુનિક ઉદ્યોગો, આધુનિક શૈક્ષણિક સંસ્થાઓ શહેરના વિકાસ માં અગ્રીમ સ્થાન ધરાવે છે.

જ્યારે પણ જૂનાગઢ જાઓ ત્યારે ગુજરાતની છેલ્લા ૨૩૦૦ વર્ષ ની પ્રગતિ નો આધાર સ્થંભ બનેલા આ શહેર અને તેનાઇતિહાસની નોંધ લઇ સોરઠ ની ભૂમિ ને પ્રણામ કરવાનું ભૂલશો નહીં !

Read Part 2 of this article series >>

(Our special thanks to B. J. Institute of Learning & Research, Amdavad, Gujarat)

(નોંધ – આપ સૌ નાં સતત મળતા પ્રતિભાવો બદલ આભાર! જો આપને અથવા આપની સાથે રહેતા વડીલોને લખવાનો શોખ હોય (ગુજરાતી typing ન ફાવતું હોય તો પણ ..no problem) અને આપની કૃતિઓ અહીં વસતા ગુજરાતીઓ સાથે share કરવાની જ્યારે પણ ઇચ્છા થાય ત્યારે અમને migujarat@gmail.com ઉપર ચોક્કસ સંપર્ક કરશો. આપણે છાપીશું! સૌ ને આનંદ થશે!)

Similar Posts

3 Comments

  1. Chandresh Thakore says:

    વૈશાલી અને કુલદીપઃ આ લેખ બદલ અભિનંદન. આ લેખને માટે જરૂરી ધગશ અને અનિવાર્ય સંશોધનની જહેમતની હું કદર કરું છું … આ લેખ વાંચીને કંઈક શીખ્યોપણ ખરો. મને ખબર નહોતી કે જુનાગઢના જે દિવાને જુનાગઢને ભારતનો ભાગ બનાવવામાં ભાગ ભજવ્યો હતો એ ઝુલ્ફિખાર અલી ભુતોના પિતાશ્રી હતા. … ફરીથી અભિનંદન. … ચંદ્રેશ ઠાકોર

Comments are closed.